ટ્વિટર ડીલ પર મસ્કનો યુ ટર્ન:સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખરીદવા હવે મસ્ક તૈયાર, 54.20 ડોલર પ્રતિ શેર પર ક્લોઝ થશે ડીલ
દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન એલન મસ્કે ટ્વિટર ડીલ પર ફરીવાર યુ-ટર્ન લીધો છે. તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ખરીદવા માટે તૈયાર થઈ ગયા છે. તેમણે આ ડીલ પર ટ્વીટ કરીને લેટર લખ્યો છે. લેટરમાં મસ્કે વકીલોને કહ્યું હતું કે તે કાનૂની લડાઈનો અંત લાવવા અને ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવા માગે છે. ટ્વિટરના પ્રવક્તાએ પણ લેટરની પુષ્ટિ કરી છે. આ પછી, મંગળવારે તેનો શેર 22% વધીને 52 ડોલર પર બંધ થયો હતો.
ડીલ પર યુ ટર્ન પછી મસ્કે ટ્વીટ કર્યું, ટ્વિટર X બનાવવા તરફ એક નવું પગલું. X, ધ એવરીથિંગ એપ. મસ્ક 54.20 ડોલર પ્રતિ શેર પર જ ટ્રાન્ઝેકશન બંધ કરવા માગે છે, જેનું તેમણે એપ્રિલમાં વચન આપ્યું હતું. આ પહેલાં મસ્ક દ્વારા ડીલ કેન્સલ થયા બાદ ટ્વિટર કોર્ટમાં પહોંચ્યું હતું. 17 ઓક્ટોબરથી અમેરિકાની ડેલાવેર કોર્ટમાં આ કેસની સુનાવણી થવાની હતી. કોર્ટની સુનાવણી પહેલાં મસ્કે પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો.
શું છે સમગ્ર પ્રકરણ?
એલન મસ્કે 14 એપ્રિલના રોજ ટ્વિટરને $43 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી. તેમણે કહ્યું હતું કે ટ્વિટરમાં રોકાણ કરવાના એક દિવસ પહેલાં 54% પ્રીમિયમ પર પ્રતિ શેર 54.20 ડોલરના ભાવે 100% હિસ્સો ખરીદવાની ઓફર કરી રહ્યો છું. આ સૌથી શ્રેષ્ઠ અને છેલ્લી ઓફર છે અને જો એ સ્વીકારવામાં નહીં આવે તો મને શેરહોલ્ડર તરીકે પુનર્વિચાર કરવાની જરૂર પડશે
મસ્ક પાસે ટ્વિટરની 9.2% ભાગીદારી છે, જેની માહિતી 4 એપ્રિલના રોજ સામે આવી હતી. સૌપ્રથમ મસ્કે $43 બિલિયનની ઓફર કરી હતી, પરંતુ ટ્વિટરની ડીલ મંજૂર કર્યા બાદ આ આંકડો $44 બિલિયન સુધી પહોંચી ગયો હતો. ત્યાર બાદ મસ્કે કહ્યું હતું કે "સ્પેમ એકાઉન્ટની સંપૂર્ણ માહિતી ન હોવાથી અમે આ ડીલ કેન્સલ કરીએ છીએ. હવે ટ્વિટર આ ડીલને પૂર્ણ કરે તેમ ઈચ્છે છે. આ કારણસર તેઓ કોર્ટ સુધી પહોંચી ગચા છે."
મસ્કને ઉલ્લંઘન કરતાં રોકવા કેસ કર્યો
ટ્વિટર જણાવ્યું હતું કે અમે મસ્કને કોઈપણ ઉલ્લંઘનથી રોકવા અને ડીલ પૂર્ણ કરવા માટે કહી રહ્યા છીએ. કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે મસ્કે મર્જર કરારની ઘણી શરતોનો ભંગ કર્યો છે. એવો પણ આરોપ છે કે ટ્વિટરના બિઝનેસ અને ઈમેજને નુકસાન થયું છે.
શેરહોલ્ડરોએ મંજૂરી આપી હતી
ટ્વિટરના શેરહોલ્ડરોએ 13 સપ્ટેમ્બરના રોજ 44 બિલિયન ડોલર (લગભગ 3.50 લાખ કરોડ રૂપિયા)ની ડીલને મંજૂરી આપી હતી. ટ્વિટરના શેરહોલ્ડરોએ 54.20 ડોલરના બાયઆઉટ પ્રપોઝલના પક્ષમાં મતદાન કર્યું હતું. કંપનીના સાન ફ્રાન્સિસ્કો હેડક્વાર્ટરમાં રોકાણકારો સાથે એક શોર્ટ કોન્ફરન્સ કોલમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.